News Inside,
અમદાવાદ :અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચોથા માળેથી કુદી એક યુવાને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. સુરક્ષા કર્મચારીઓની લાખ સમજાવટ બાદ પણ યુવાને ચોથા માળેથી કૂદકો માર્યો હતો. જોકે, તે માંડ માંડ બચી ગયો હતો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે વહેલી સવારે હ્ર્દય હચમચાવી દે તેવા દ્રશ્યો સર્જાયા હતા. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં G બ્લોકના ચોથા માળેથી આજે સવારે નરેશ સોલંકી નામના એક યુવકે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. એક અજાણ્યો યુવાન સિવિલ હોસ્પિટલના ચોથા માળે ચઢી બહારની બાજુ બારી છજ્જા ઉપર ચઢી ગયો હતો. યુવાનની જોખમી સ્થિતિ જોઈને સ્થાનિક સુરક્ષા કર્મીઓ દ્વારા યુવાનને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પરંતુ યુવકે કોઈની વાત માની ન હતી. તેણે ચોથા માળેથી નીચે પડતૂ મૂક્યુ હતું.
સાથે સાથે અમદાવાદ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા યુવકને બચાવવા માટે નેટ પાથરવામાં આવી હતી. પરંતુ યુવક ચોથા માળેથી કુદી ઓક્સિજન પ્લાન્ટ તરફ પડ્યો હતો. આ ઘટનામાં યુવાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે. પરિણામે યુવાનને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે.
હાલ યુવકની આત્મહત્યાના લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યા છે. જોકે, યુવકે કયા કારણોસર આ પગલુ ભર્યું તે હજી જાણી શકાયુ નથી.