News Inside
અમદાવાદ, 28 જુલાઇ, 2021: ગુજરાતના પ્રતિષ્ઠિત પ્રોડક્શન હાઉસ મેગ્નેટ મીડિયાએ આગામી સસ્પેન્સ થ્રિલર હિંદી વેબ સીરિઝ – ટેલીસ્કોપ માટે લાઇવ ફોરએવર પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે જોડાણ કર્યાંની આજે જાહેરાત કરી છે. આ હિંદી વેબ સીરિઝનું શુટિંગ શરૂ થઇ ગયું છે અને ત્રણ મહિનાની અંદર અગ્રણી ઓટીટી પ્લેટફોર્મ ઉપર દર્શકોની તેની મજા માણી શકશે.
આ સહયોગ અંગે પ્રતિક્રિયા આપતાં મેગ્નેટ મીડિયાના સંસ્થાપક ભાવેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, “અમે આગામી હિંદી સસ્પેન્સ થ્રિલર વેબ સીરિઝ – ટેલીસ્કોપ માટે લાઇવ ફોરએવર પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે જોડાણ કરતાં ઉત્સાહિત છીએ. આ પહેલાં ગુજરાતી વેબ સીરિઝ – વાત વાત માના સફળ લોંચ બાદ હિંદુ વેબ સીરિઝ ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવવું અમારા માટે રોમાંચક બાબત છે. અમે આ માર્કેટમાં અપાર સંભાવનાઓ જોઇ રહ્યાં છીએ અને વિશ્વાસ છે કે તેમાં સફળતા મળશે.”
લાઇવ ફોરએવર પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડના સંસ્થાપક જેકી પટેલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, “હું 12 વર્ષથી વધુ સમયથી ફિલ્મ ઉદ્યોગમાં કાર્યરત છું અને આગામી હિંદી વેબ સીરિઝ – ટેલીસ્કોપ માટે મેગ્નેટ મીડિયા જેવા પ્રતિષ્ઠિત પ્રોડક્શન હાઉસ સાથે કામ કરવું મારા માટે ખુશીની વાત છે. તેઓ ખૂબજ પ્રોફેશ્નલ અને હંમેશા સહયોગ કરતાં આવ્યાં છે. આ પ્રોજેક્ટ માટે તેમની સાથે જોડાતા હું આનંદિત છું.”
મેગ્નેટ મીડિયાના સહ-સંસ્થાપક કેયુર શાહે જણાવ્યું હતું કે, “અમારી સફળ ગુજરાતી વેબ સીરિઝ વાત વાત માને જે પ્રકારે દર્શકોનો અભુતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો તેવો હિંદી વેબ સીરિઝ ટેલીસ્કોપને પણ મળશે તેવો વિશ્વાસ છે. આ સીરિઝની વાર્તા ખૂબજ સુંદર છે અને વિશ્વભરના દર્શકો તેને પ્રેમ આપશે તેવી આશા છે.”
6 એપિસોડ અને 15-20 મીનીટના પ્રત્યેક એપિસોડ ધરાવતી સીરિઝમાં સાહિલ કોહલી, સૌરભ બારોટ, રક્ષિતા રાજોરિયા, સંજીત ધુરી, ઇશા ઉપ્પલ અને અખિલેશ યાદવ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. સીરિઝના ડાયરેક્ટર જેકી પટેલ છે, જેઓ અગ્નિપથ, કાઇપો છે, પાગલપંતી, શિકાર, મટરુ કી બિજલી કા મંડોલા સહિતની ઘણી ફિલ્મોનો હિસ્સો રહી ચૂક્યાં છે અને તેઓ ફિલ્મ ઉદ્યોગમાં બહોળો અનુભવ ધરાવે છે.