News Inside/ Bureau: 26th December 2021
અમદાવાદ શહેરમાં મોડી રાત્રે એસપી રિંગ રોડ, વસ્ત્રાપુર IIM રોડ, એસ.જી.હાઈવે, સિંધુભવન રોડ, જજીસ બંગલો રોડ તથા પૂર્વ વિસ્તારમાં નરોડાથી નારોલ સર્કલ રોડ પર મોડી રાત્રે ઘણા નબીરાઓ બેફામ સ્પીડમાં બાઈક અને કાર ચલાવી અને સ્ટંટ કરતા નજરે પડતા હોય છે. આવા ઓવરસ્પીડમાં વાહન ચલાવનારા નબીરાઓને પકડવા માટે હવે ટ્રાફિક પોલીસ કડક કાર્યવાહી કરવા જઈ રહી છે. આજ રાતથી જ ટ્રાફિક પોલીસ દ્વારા આ તમામ રોડ પર ઇન્ટરસેપ્ટર વાન, હાઇવે પેટ્રોલ કાર તથા ટાસ્કફોર્સના વાહનો તથા તેમાં ફાળવેલ અતિઆધુનિક સંસાધનોનો ઉપયોગ કરી ઓવર સ્પીડ ડ્રાઇવિંગ તથા ધુમ સ્ટાઇલમાં બાઇક રેસિંગ કરી ર્સ્ટન્ટ (બાઇકર્સ ગેન્ગ) કરતા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરશે.
અમદાવાદ ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ કેશવબાગ ત્રણ રસ્તાથી માનસી સર્કલથી જજીસ બંગલા ચાર રસ્તાથી પકવાન ચાર રસ્તાથી સીધા સિંધુભવનનો સમગ્ર જતો-આવતો માર્ગ, સરદાર પટેલ બાવલા ચાર રસ્તાથી સીધા વિજય ચાર રસ્તાથી યુનિ. રોડથી સીધા પાંજરાપોળ ચાર રસ્તાથી જમણી બાજુ વળી અંધજન મંડળ ચાર રસ્તા (ફ્લાય ઓવર સહીત) થી વસ્ત્રાપુર તળાળ થી એસ.જી.હાઇવે સુધી સમગ્ર જતો-આવતો માર્ગ, નહેરુનગર સર્કલથી સીધા શિવરંજની બ્રીજ નીચે થઇ સીધા ઇસ્કોન ચાર રસ્તા સુધી સમગ્ર જતો-આવતો માર્ગ. સમગ્ર એસ.જી.હાઇવે ( મુખ્યત્વે નવા બનેલ પકવાન ફ્લાય ઓવર બ્રીજથી શિવરંજની ફ્લાય ઓવર બ્રીજથી આનંદનગર કટ સુધી) સુધી સમગ્ર જતા-આવતા માર્ગ પર ઓવર સ્પીડમાં વાહનો ચલાવતા હોવાની ફરીયાદો મળી છે.ઉપરાંત પૂર્વ વિસ્તારમાં આવતાં મેમકો ચાર રસ્તાથી સીધા બાપુનગર અજીતમીલ થઇ સીધા અમરાઇવાડી ખોખરા સર્કલ સુધી સમગ્ર જતો આવતો માર્ગ તથા પુર્વ વિસ્તારનો સમગ્ર એસ.પી. રીંગ રોડ, નરોડા પાટીયાથી નારોલ સર્કલ સુધીનો સમગ્ર જતો-આવતો માર્ગ પર મોડી રાતે ઓવર સ્પીડ ડ્રાઇવિંગ તથા ‘ધુમ સ્ટાઇલ’ માં બાઇક રેસીંગ કરી સ્ટંન્ટ કરતા ચાલકોની (બાઇકર્સ ગેન્ગ) ફરીયાદો મળી છે. આ સમગ્ર રોડ ઉપર પોલીસ દ્વારા આજે રાતથી જ કાર્યવાહી કરવામાં આવનાર છે જેથી શહેરના નાગરિકોને ટ્રાફિક પોલીસ દ્વારા જણાવવામાં આવે છે કે પોતે કે પરિવારના સંતાનોને વાહન ચલાવવા આપવું નહી. ટ્રાફિકના નિયમોનું પાલન કરી પોતે તથા માર્ગ પર આવા-ગમન કરતા અન્ય વાહન ચાલક, રાહદારીને પણ સલામત રાખવા વિનંતી છે.