શિક્ષિત સરપંચે નગીચાણા ગામની કરી કાયાપલટ :ગુજરાત

– ગામમાં ૧૦૦ ટકા ઘરોમાં શૌચાલય
– રૂા.૪૫ લાખના ખર્ચે તમામ રસ્તા પેવર બ્લોકથી મઢાયા
– ઘરે-ઘરે નળ દ્રવારા પાણી વિતરણ
– સી.સી.ટી.વી કેમેરાથી સજ્જ ગામ
– ખાનગી શાળાને ટક્કર આપે તેવું રૂા.૭૫ લાખના ખર્ચે નિર્મિત પે સેન્ટર શાળાનું બિલ્ડીંગ
– ગ્રામ પંચાયતનુ અદ્યતન બિલ્ડીંગ
– જિલ્લા દુધ સંઘનું બી.એમ.સી સેન્ટર
– ગ્રામજનોને સ્વચ્છતા-સવલતો આપી નગીચાણા બન્યુ આદર્શ ગામ


જૂનાગઢ જિલ્લામાં આવેલા માંગરોળ તાલુકાના નગીચાણા ગામમાં પ્રવેશો ત્યાં જ આંખને ઠારે તેવા દ્દશ્યો નજરે પડે છે. સુંદર પ્રવેશદ્વાર, ડોમ અને બન્ને બાજુ લીલાછમ વૃક્ષો પ્રવેશ દ્વારથી જ તમારૂ સ્વાગત કરે છે. ગામનું બસ સ્ટેન્ડ પણ આદર્શ પ્રાથમિક શાળાનું અદ્યતન બીલ્ડીંગ, ફર્નીચર, કોમ્યુટર સહિતની સુવિધાથી સજ્જ ગ્રામ પંચાયત કચેરી છે. અને ગામની સ્વચ્છતા તો ઉડીને આંખે વળગે એવી છે. ૩,૨૫૭ લોકોની વસ્તી ધરાવતા નગીચાણામાં ૬૦૦થી વધુ કુટુંબો વસવાટ કરે છે. આ તમામના ઘરમાં શૌચાલયની સુવિધા છે. આહિર, મુસ્લીમ, દલિત, રબારી અને અન્ય સમાજના લોકોની વસ્તી ધરાવતા આ ગામના તમામ રસ્તા રૂ.૪૫ લાખ ઉપરાંતના ખર્ચે પેવર બ્લોકથી મઢી દેવામાં આવ્યા છે. પીવાના પાણીની મુશ્કેલી નિવારવા નલ સે જલ યોજના તળે ઘરે-ઘરે નળ લગાવવામાં આવ્યા છે. નળ દ્વારા નિયમીત રીતે પાણીનું વિતરણ થાય છે. ગ્રામજનો અને પંચાયતની સજ્જતા એવી છે કે, સી.સી.ટી.વી. કેમેરાથી ગામને સજ્જ
કરાયું છે. પીવાનું પાણી, રસ્તા ઉપરાંત પ્રાથમિક શિક્ષણ ગામડાની પાયાની જરૂરીયાત છે. જેમાં નગીચાણાની પે સેન્ટર પ્રા.શાળા આદર્શ શાળા છે. ૯ કલાસરૂમ ધરાવતું રૂા.૭૫ લાખના ખર્ચે વિશાળ ગ્રાઉન્ડ સાથેનું બિલ્ડીંગ શહેરની ખાનગી શાળાને ટક્કર મારે છે. ૪ વિઘા જમીનમાં
પથરાયેલ શાળામાં ગામના સરપંચ મસરીભાઇ પીઠીયા, આચાર્ય દિલીપભાઇ નંદાણીયા, શિક્ષકો દ્વારા નારીયેલીનું વાવેતર કરી શાળાને નિયમિત રૂપે વાર્ષિક રૂા.૬૦ હજારની આવક મળે તેવું આયોજન કરાયું છે. ધો.૧૨સુધી ઉચ્ચત્તર માધ્યમીક શાળાની સુવિધા ધરાવતા નગીચાણામાં પ્રવેશતા જ ગ્રામ પંચાયત બિલ્ડીંગ નજરે પડે છે. ગ્રામ પંચાયતની બિલ્ડીંગમાં ફર્નીચર, કોમ્પ્યુટર, માઇક સિસ્ટમની સુવિધા જોતા જ તમને ખ્યાલ આવશે કે આ ગામના સરપંચ શિક્ષિત હશે
અને પ્રગતિશીલ વિચારધારા ધરાવતા હશે. ૨૦૧૮-૧૯ માં મસરીભાઇ પીઠીયા નગીચાણાના સરપંચ બન્યા હતા. તેમનો નિર્ધાર હતો કે, મારૂ ગામ આદર્શ ગામ બને અને એક-એક ગ્રામજનોને રસ્તા, પાણી, આરોગ્ય તેમજ શિક્ષણની સુવિધા મળે ઉપરાંત ગામ સ્વચ્છ રહે,
ગંદકી નાબુદ થાય, ૧૦૦ ટકા બાળકો શિક્ષણ મેળવે, ૧૦૦ ટકા ઘરોમાં શૌચાલય બને તેમનો આ નીર્ધાર ગ્રામજનો અને પંચાયતના સભ્યોના સહકારથી સાકાર થયો છે. તેમની આ કામગીરીમાં યુવાન તલાટી રમેશ વાઢેરનો સહયોગ મળ્યો છે. માથુ રહે ગામમાં ને ધડ લડે મેસવાણમાં ધન્ય એ સુર સપુત વીર હિમારાબાપાને શુરવિર હીમારાબાપાના ગામ નગીચાણામાં આરોગ્યની સુવિધા માટે પેટા આરોગ્ય કેન્દ્ર, દુધની ડેરી, જિલ્લા સંઘનું દુધ કલેકશન માટે બી.એમ.સી સેન્ટર, એલઇડી સ્ટ્રીટલાઇટ, શાકમાર્કેટ, સહકારી મંડળી, જયોતિગ્રામ, ગૌશાળા સહિત ગ્રામ્ય વિસ્તારની તમામ જરૂરીયાત નગીચાણામાં સંતોષાય છે. આથી જ વર્ષ ૨૦૧૯માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં નગીચાણા ગામને આદર્શ ગામનો એવોર્ડ મળ્યો હતો. વિજ્ઞાનભવન દિલ્હી ખાતે સરપંચે એવોર્ડ સ્વીકારી ગામને વધુ પ્રગતિશીલ બનાવવા સંકલ્પબધ્ધ થયા છે. નગીચાણાની અદ્યતન પ્રા શાળામાં કોમ્પ્યુટર લેબ બનાવવા સરપંચ દ્વારા તેમના પિતાશ્રી કાનાભાઇ પીઠીયાના અવસાન નિમિત્તે રૂા.૨ લાખ દાન આપવામાં આવ્યું હતું. જ્યારે મેણસીભાઇ પીઠીયા દ્વારા પ્રા શાળામાં આચાર્યની ઓફિસ બનાવવા માટે રૂા.૨ લાખ દાન અપાયું હતું. કોમ્પ્યુટર લેબમાં મુળ નગીચાણાના પણ વ્યવસાય અર્થે કતાર સ્થિત જગદીશભાઇ પીઠીયાએ ૫ કોમ્પ્યુટર આપ્યા હતા ગ્રામજનોના આ ઉત્સાહને જોઇ શાળાના તમામ શિક્ષકો દ્વારા પણ કોમ્પ્યુટર લેબ માટે એક-એક કોમ્પ્યુટર આપવામાં આવશે. સંપીલા સુખી ગામની આજ તો મજા છે. નગીચાણાના વિકાસકાર્યોની પ્રગતિ અને ગુણવત્તા જોઇ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રવિણ ચૌધરી દ્વારા શાળા કમ્પાઉન્ડ માટે રૂા. ૧૩ લાખની ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.

Related posts

Leave a Comment