વાઇબ્રન્ટ સમિટ પૂર્વે શિક્ષણ ક્ષેત્રમાં નોલેજ એક્સ્ચેન્જને લગતા 130 એમઓયુ થયા.મેથ્સને પ્રોત્સાહન માટે નવી નીતિ ઘડાશે.

વાઇબ્રન્ટ સમિટ પૂર્વે જ શિક્ષણ ક્ષેત્રમાં 130 એમઓયુ થયા છે જે મુખ્યત્ત્વે નોલેજ એક્સ્ચેન્જને લગતા છે તેમ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ જણાવ્યું છે. વાઇબ્રન્ટ સમિટ દરમિયાન મહત્ત્વના ક્ષેત્ર સ્ટેમ (સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સ) ઉપર સાયન્સ સિટી ખાતે 17 જાન્યુઆરીએ કેન્દ્રના માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકર અને વિવિધ તજજ્ઞોની ઉપસ્થિતિમાં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાશે. જેમાં સ્ટેમને પ્રોત્સાહન આપવા માટે કેવી નીતિ ઘડવી તેની પણ ચર્ચા થશે. આ નીતિને ભવિષ્યમાં શિક્ષણમાં લાગુ પાડવામાં આવશે. .

આગામી દાયકામાં ગણિત અને વિજ્ઞાન ક્ષેત્રમાં જ અંદાજે 80 ટકા રોજગારીનું સર્જન થશે તેવો અંદાજ મૂકાઇ રહ્યો છે ત્યારે ગુજરાત સહિત દેશભરના વિદ્યાર્થીઓને આ ક્ષેત્રમાં રસ લેતા કરવા અને સરળ શિક્ષણની નીતિ ઘડી પેટર્ન તૈયાર કરવા ગુજરાત સરકાર સમિટ સાથે સ્ટેમ મુદ્દે તજજ્ઞોને એક મંચ પર લાવવાનું આયોજન કર્યું છે. અગ્ર સચિવ અંજુ શર્માએ આ અંગે વધુ માહિતી આપતા કહ્યું હતું કે, ઔદ્યોગિક જરૂરિયાત અને શૈક્ષણિક અભ્યાસ ક્રમ વચ્ચેના અંતરને ઘટાડવા સ્ટેમને વિદ્યાર્થીઓને અનુરૂપ કેવી રીતે ઢાળવું તેની ચર્ચા માટે ઇન્ટરનેશનલ લેવલની કોન્ફરન્સ યોજાશે. .

આ કોન્ફરન્સમાં કેન્દ્ર સરકારના પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઈઝર પ્રોફેસર કે. વિજય રાઘવન, ઉચ્ચ શિક્ષણ મંત્રાલયના સચિવ આર. સુબ્રમણ્યમ, ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર સંઘમિત્રા બંદોપાધ્યાય, બફેલો યુનિવર્સિટીના ડીન ડૉ. લીસલ ફોલ્ક્સ, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચ હૈદરાબાદના સેન્ટર ડિરેક્ટર પ્રો. વી. ચંદ્રશેખર, ડ્યુક યુનિવર્સિટીના સિવિલ એન્ડ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગના પ્રોફેસર માઈક બર્ગિન સહિતના તજજ્ઞો સ્ટેમ ક્ષેત્રમાં ‘શિક્ષણ અને સંશોધનભારતમાં રહેલી તકો’ વિષય પર ચર્ચાવિચારણા કરશે..

રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની સાથે શ્રેષ્ઠ રિસર્સ પેપરનું પણ પ્રેઝન્ટેશન કરાશે. વિભાગને ૧૦૦થી વધુ રિસર્ચ પેપર્સ પ્રાપ્ત થયા છે. આ રિસર્ચ પેપર્સને રિવ્યૂ કરીને જર્નલની વિશેષ આવૃત્તિમાં પ્રકાશિત કરવામાં આવશે. શ્રેષ્ઠ 3 રિસર્સ પેપર્સને ઈનામ પાશે. કોન્ફરન્સમાં ગુજરાતની યુનિવર્સિટી અને સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિષય તજજ્ઞો પણ ઉપસ્થિત રહેશે..

Related posts

Leave a Comment