બોટાદ: ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’નો આભાસ કરાવતું માંડવધાર ગામ

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માંડવધાર ગામે સ્વચ્છતાના ક્ષેત્રમાં પથદર્શક કામ કર્યું છે. અંદાજે આઠ હજારની વસ્તી ધરાવતા આ ગામે સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો ધ્યેયમંત્ર આત્મસાત કર્યો છે. સ્વચ્છતા મિશન હેઠળ માંડવધાર ગામે દરેક ઘરમાં જઈ કચરો ઉઘરાવવાની (ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન) કાર્ય યોજનાનું સફળતાપૂર્વક અમલીકરણ કર્યું છે. મહત્વનો મુદ્દો એ છે કે, આ અમલીકરણનો આત્મા છે-લોકભાગીદારી.ગામની સ્વચ્છતા ઝુંબેશની ગૌરવ-ગાથા વર્ણવતા માંડવધારના તલાટી-મંત્રી શ્રી હરદેવસિંહ ગોહિલ કહે છે, ‘’ અમે ગામના દરેક ઘરમાંથી કચરો એકઠો કરીએ છીએ. આ કચરાનો ચોક્કસ જગ્યાએ નિકાલ કરીએ છીએ, જેથી ગામની શેરીઓ સ્વચ્છ રહે છે.’’ તેઓ આ વ્યવસ્થા પર વધુ પ્રકાશ પાડતા કહે છે કે, અમે ગામના દરેક ઘરમાં કચરાપેટી આપી છે. આ કચરાપેટીમાં એકત્રિત થતો કચરો ભેગો કરવા દરરોજ સવારે એક ટ્રેક્ટર વિવિધ શેરીઓમાં જાય છે. આ ટ્રેક્ટરની મદદથી એકત્રિત કરેલો કચરો નક્કી કરવામાં આવેલા સ્થળે નિકાલ કરવામાં આવે છે. તેઓ ઉમેરે છે કે, સ્વચ્છતા અંગે જાહેર સૂચના આપવી હોય ત્યારે અમે પબ્લીક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો પણ ઉપયોગ કરીએ છીએ. આ સૂચના-પદ્ધતિ થકી લોકજાગૃતિ પણ ઉભી કરીએ છીએ.

માંડવધારના અગ્રણી શ્રી કલ્પેશભાઈ અવૈયા શ્રી તલાટી કમમંત્રીશ્રીની વાતને સમર્થન આપતા કહે છે કે અમારા ગામમાં સ્વચ્છતાને અમે સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. તેઓ ઉમેરે છે કે, ગામમાં એક પણ જગ્યાએ ગંદા પાણીનો નિકાલ થતો નથી. કારણ કે ગામમાં ભૂગર્ભ ગટર યોજનાનો સફળતાપૂર્વક અમલ કરવામાં આવ્યો છે. અમે શ્રી કલ્પેશભાઈને પુછ્યું કે, ગામને સ્વચ્છ રાખવામાં લોકોનો સહકાર કેવી રીતે મેળવો છો? ત્યારે કલ્પેશભાઈ ગામઠી શૈલીમાં કહે છે. ‘’ આપણે નિયમમાં આવવું પડે, પસી બીજાની કહી શકીએ.’’ મતલબ – પહેલા અમે
સ્વચ્છતાના નિયમોનું પાલન કરીએ છીએ એટલે ગામના બીજા લોકો અમારું માને છે. ગામની સ્વચ્છતા ઝુંબેશનો ચિતાર આપતા તેઓ કહે છે કે, સ્વચ્છતા જાળવવા માટે અમે બહુ સાદો રસ્તો અપનાવ્યો છે. અમારા ગામમાં બધા સવારે સૌ પોત-પોતાનું આંગણું સાફ કરી કચરો એકઠો કરીયે છીએ. અને તે કચરો એકઠો કરવા આવતા ટ્રેક્ટરને આપી દઈએ છે. તેથી ગામમાં ક્યાંય ગંદકી જોવા મળતી નથી. એવું નથી કે માંડવધારે માત્ર સ્વચ્છતા ક્ષેત્રે જ પ્રસંશનીય કામ કર્યું છે.

ગ્રામ પંચાયેતે આવાસ, ખેતી, આરોગ્ય, શિક્ષણ –એમ તમામ ક્ષેત્રોમાં કામ કર્યું છે. આ વરસે રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે ધરતીપુત્રો માટે જાહેર કરેલી સહાયની રકમ ગામના ખેડૂતોને સત્વરે મળે તે માટે પંચાયત એ યોગ્ય વ્યવસ્થા કરી છે. ગામના અંદાજે 20 હજાર ખેડૂત ખાતેદારોના બેન્ક એન્કાઉન્ટમાં એક કરોડ પાંત્રીસ લાખથી વધુ રકમ જમા થઈ છે. ગ્રામ પંચાયતે ગામના એક પણ વિધવા બહેનોને વિધવા પેન્શનથી વંચિત ન રહે તે માટે વિશેષ કાળજી લીધી છે. ગામની 135 વિધવા બહેનોને દર મહિને વિધવા પેન્શન યોજના હેઠળ 1250 રૂપિયા મળે તે સુનિશ્ચિત કર્યું છે. ગ્રામજનને તમામ સુવિધાઓ ઘરઆંગણે મળી રહે તે માટે ગ્રામ પંચાયત દ્વારા સરાહનીય પ્રયાસો થયા છે. ગામના ઈ-ગ્રામ સેન્ટરમાં ડિજિટલ સેવાઓ ઉપ્લબ્ધ છે, જેથી
ગ્રામજનોને તાલુકા મથકે પણ જવું પડતું નથી. નોંધપાત્ર બાબત એ છે કે માંડવધારમાં જ્યારે કોઈ વિકાસલક્ષી કામ કરવાનું હોય ત્યારે શાળાના આચાર્ય, દરેક જ્ઞાતિના પ્રતિનિધિ, સહકારી મંડળીના આગેવાન અને હિરા ઉદ્યોગના આગેવાનની બેઠક મળે છે.તેમાં આયોજન અંગે ચર્ચા થાય છે અને સર્વાનુમતે નિર્ણય લેવામાં આવે છે.

Related posts

Leave a Comment