દિલ્હી હાઇકોર્ટની સ્પષ્ટ વાત: પ્રાઈવસી જોખમાતી હોય તો WHATSAPP ડિલીટ કરી નાખો

વ્હોટ્સએપ દ્વારા લગાવવામાં આવેલી નવી પ્રાઇવસી પોલિસી વિશે સોમવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. અરજી કરનાર દ્વારા અપીલ કરવામાં આવી હતી કે આ પોલિસી વિશે સરકારે પગલાં લેવાં જોઈએ. આ પોલિસીથી પ્રાઈવસીનું ઉલ્લંઘન થાય છે. જોકે દિલ્હી કોર્ટે આ મામલે કોઈ નોટિસ જાહેર કરી નથી અને કહ્યું છે કે આ વિશે વિસ્તૃત સુનાવણીની જરૂર છે. હવે આ કેસ વિશે 25 જાન્યુઆરીએ વધુ સુનાવણી કરવામાં આવશે.

અરજી કરનાર દ્વારા કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વિશે કડક પગલાં લેવાં જોઈએ, આ પોલિસી દ્વારા લોકોની પ્રાઈવસીનું ઉલ્લંઘન થાય છે. વ્હોટ્સએપ જેવી પ્રાઈવેટ એપ સામાન્ય લોકો સાથે જોડાયેલી વ્યક્તિગત માહિતી શેર કરવા માગે છે, એના પર પ્રતિબંધ લગાવવાની જરૂર છે.

આ અરજીની સુનાવણીમાં હાઈકોર્ટ તરફથી આકરી ટિપ્પણી કરવામાં આવી છે. હાઈકોર્ટે કહ્યું છે કે આ એક પ્રાઈવેટ એપ છે. જો તમારે પ્રાઈવસી તેમાં ન જળવાતી હોય તો તમારે આ એપ ડિલિટ કરી દેવી જોઈએ. કોર્ટે કહ્યું હતું કે શું તમે મેપ કે બ્રાઉઝરનો ઉપયોગ કરો છો? તેમાં પણ તમારો ડેટા શેર કરવામાં આવે છે.

કોર્ટમાં અરજી કરનાર તરફથી અપીલ કરવામાં આવી હતી કે અમે ઈચ્છીએ છીએ કે આ વિશે કડક કાયદો બને. યુરોપિયન દેશોમાં કડક કાયદા છે, તેથી વ્હોટ્સએપની પોલિસી ત્યાં અલગ છે અને ભારતમાં કાયદો કડક ન હોવાથી સામાન્ય જનતાનો ડેટા થર્ડ પાર્ટીને શેર કરવામાં એપને કોઈ પ્રોબ્લેમ થતો નથી.

કોર્ટમાં વ્હોટ્સએપ તરફથી મુકુલ રોહતગીએ દલીલ કરતાં કહ્યું હતું કે આ એપનો ઉપયોગ કરવો સંપૂર્ણ સુરક્ષિત છે અને તેમાં લોકોની પ્રાઈવસીનું ધ્યાન રાખવામાં આવે છે. બંને મિત્રોની અંગત વાતચીત કોઈ થર્ડ પાર્ટીને શેર કરવામાં નથી આવતી. એ માટે વ્હોટ્સએપ બિઝનેસ સાથે જોડાયેલા ગ્રુપમાં છે કે જેમાં ડેટા અને પસંદગીને ધ્યાનમાં રાખીને તેનો બિઝનેસમાં ઉપયોગ કરવામાં આવે છે.
વ્હોટ્સએપ તરફથી હાજર બીજા વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે અરજી સુનાવણી માટે પૂરતી નથી. આ અરજી નકારી દેવી જોઈએ. કેન્દ્ર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માએ કહ્યું હતું કે આ અરજીને ધ્યાનમાં રાખીને ઉતાવળમાં કોઈ નોટિસ જાહેર ન કરવી જોઈએ. દરેક પક્ષની વાત પહેલા સાંભળવી જોઈએ.

WhatsApp #DelhiHighCourt #PrivacyPolicy #DataPrivacy #whatsappprivacypolicy

Related posts

Leave a Comment